પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ચીનની વેક્સિન લીધાંના 24 કલાક બાદ જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રિપોર્ટ પોઝિટિવ આવતાં ઈમરાન ખાન હોમ ક્વોરેન્ટિન થયાં. આ અંગેની માહિતી પાકિસ્તાનના સ્વાસ્થ્યમંત્રી ફૈઝલ સુલતાને ટ્વીટ કરીને આપી હતી. ફૈઝલ સુલતાને કહ્યું કે, વડાપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેઓ ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ઈમરાન ખાને ચીનથી આવેલી કોરોનાવાયરસ માટેની વેક્સિન સિનોફાર્મનો પહેલો ડોઝ લીધો હતો. એક દિવસ બાદ જ તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. તેઓએ વેક્સિન લીધા બાદ પાકિસ્તાનના નાગરિકોને પણ વેક્સિનેશન કરાવવા માટે કહ્યું હતું.

 

 

પાકિસ્તાનમાં લોકોએ સાવચેતી ન રાખતાં કોરોનાના કેસમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના વધતા કેસથી ડરેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. 67 વર્ષીય ઇમરાન ખાને દેશમાં જારી રસીકરણ અભિયાન વચ્ચે વેક્સિનનો ડોઝ લીધો છે. આ પહેલા તેમણે દેશના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ લૉકડાઉનની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં અત્યારસુધીમાં કોરોનાના 6 લાખ 56 હજાર કેસ નોંધાયા છે. અને કોરોનાને કારણે 13 હજાર 799 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાનમાં હાલ 29 હજાર 576 એક્ટિવ કેસ છે.