લાઈન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ (LAC) ચાલી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે CDS બિપિન રાવત પણ છે. મળતાં અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદીએ વાયુસેનાના અધિકારીઓ અને આઈટીબીપીના જવાનોની મુલાકાત લીધી હતી અને જમીની હકીકતનું નિરીક્ષણ પણ કર્યું હતું.

લેહઃ પૂર્વ લદ્દાખમાં એલએસી પર ભારત ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક લેહ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ એક આશ્ચર્યજનક મુલાકાત હતી, જેને કારણે દરેક લોકો ચોંકી ઉઠ્યા છે. વડાપ્રધાન મોદીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ હાજર રહ્યા. આપને જણાવી દઈએ કે, પહેલા માત્ર બિપિન રાવતને લેહ પહોંચવાનું હતું. વડાપ્રધાન મોદીએ લેહ પહોંચ્યા બાદ વાયુસેનાના અધિકારીઓ અને આઈટીબીપીના જવાનોની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન મોદી થલસેના, વાયુસેના અને આઈટીબીપીના જવાનો સાથે મુલાકાત કરી તેમની સાથે વાત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સેનાના અધિકારીઓએ તેમને ગ્રાઉન્ડ ઝીરોની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી હતી. સાથે સેનાની તૈયારીઓ અંગે પણ વડાપ્રધાન મોદીને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાનની સાથે સીડીએસ બિપિન રાવત અને થલ સેનાના વડા મનોજ મુકુંદ નરવણે પણ છે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસને બે રીતે જોવામાં આવી રહ્યો છે. પહેલું વડાપ્રધાન જવાનોની વચ્ચે જઈને તેમનું મનોબળ વધારવા માંગે છે, અને બીજું તેઓ ચીનને કડક સંદેશો આપવા માંગે છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ઘાયલ થયેલા જવાનોને પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 15મી જૂને પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણ દરમિયાન કર્નલ સંતોષ બાબુ સહિત 20 ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા. આ ઘટના બાદ ભારત-ચીન સરહદ પર તણાવ છે. બોર્ડર પર બન્ને તરફ મોટી સંખ્યામાં જવાન અને હથિયારો તૈનાત કરી દેવાયા છે.

વડાપ્રધાન મોદી આજે સવારે 7 વાગે લેહ પહોંચ્યા અને પછી હેલિકોપ્ટર દ્વારા નિમૂ પહોંચ્યા. અગાઉ એવા અહેવાલ હતા કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સીડીએસ બિપિન રાવતની સાથે લેહ જશે અને 14 કોર્પ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરશે, પરંતુ ગુરૂવારે અચાનક અહેવાલ આવ્યા કે, રાજનાથ સિંહનો પ્રવાસ સ્થગિત કરી દેવાયો છે, કારણોને લઈને અટકળો ચાલી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદીના જવાના નિર્ણયને કારણે રાજનાથ સિંહનો પ્રવાસ ટળી ગયો છે.