કોરોના બેકાબૂ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ

 

દેશમાં કોરોનાના કેસ સતત વઘી રહ્યાં છે, ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,906 નવા કેસ નોંધાયા , જ્યારે 23,623 લોકો સાજા થયા.કોરોનાના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયુું છે. કોરોનાને કારણે 188 લોકોનાં મૃત્યુ થયાં. નવા સંક્રમિતોનો આ આંકડો નવેમ્બર પછી સૌથી વધુ નોંધાયો છે.અને સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. અહીં એક દિવસમાં કોરોનાના 25,681 નવાં કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગુ કરવામા આવ્યું છે. અગાઉ આ લૉકડાઉન 21 માર્ચ સુધી હતું. બીજી તરફ નાગપુર ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ પ્રતિબંધો સંબંધિત આકરા નિર્ણયો લેવાયા. મુંબઈમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ત્યારે એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી એટલે ધારાવીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે.

દેશમાં કોરોનાનો કાળો કહેર, મહારાષ્ટ્રમાં સ્થિતિ વણસી
નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લંબાવાયું, કેસ વધતા સરકારે આકરા નિર્ણય લીધાં

 

 

દેશમાં કોરોના વકર્યો, કેટલાક રાજ્યોમાં પ્રતિબંધ લગાવાયાં

 

  • મધ્યપ્રદેશમાં કોરોનાના આંકડા રોજ વધી રહ્યાં છે, જેને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં હવે દર રવિવારે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણેય શહેરોમાં આગામી આદેશ સુધી દર વીકએન્ડે શનિવારે રાત્રે 10થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કુલ 32 કલાક લોકડાઉન રહેશે. આ સાથે જ આ ત્રણેય શહેરમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે.

 

  • પંજાબમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. પંજાબની તમામ શાળા-કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત કોલેજની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. પંજાબ સરકારની ગાઈડલાઇન્સ અનુસાર, રાજ્યમાં મેડિકલ અને નર્સિંગ કોલેજો સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે.

 

  • ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવાં 1,415 કેસ નોંધાયા. અને 4 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના કેસ વધતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતાં શનિવારે અને રવિવારે ટેક્સટાઈલ માર્કેટ બંધ રહેશે.